માઁ ખોડલના ચરણોમાં ૫૨૧ નવ દંપતીઓ
જીવનના એક તાંતણે બંધાણા ઃ લાખો લોકોની હાજરીમાં અવસર સંપન્ન અઢી લાખ લોકો
એક રસોડે જમ્યા ઃ ૬૬ વસ્તુઓનો કરિયાવર અપાયો ઃ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં
નરેશ પટેલની રજત તુલા થઈ
રાજકોટ, મંગળવાર
ખોડલધામ કાગવડ ખાતે આજે લેઉવા પટેલ જ્ઞાાતિ ૫૨૧ સમૂહલગ્નોત્સવનો અવસર
ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો. એક સ્થળે એક જ જ્ઞાાતિનાં આટલી મોટી
સંખ્યામાં સમૂહલગ્ન યોજાયા હોય તેવો વિશ્વ વિક્રમ નોંધાયો છે. આ
મેગાઈવેન્ટને એશિયા બુક ઓફ રેકર્ડ અને ઈન્ડીયા બુક ઓફ રેકર્ડમાઁ સ્થાન
મળ્યું છે. આ મહા લગ્નઉત્સવ પર્વના સાક્ષી બનવા ૪ લાખ લોકો ઉમટી પડયાં
હતાં. જયાં ૬૦૦ બુફે કાઉન્ટર વતી અઢીલાખથી વધુ લોકોએ રસોડે જમ્યા હતાં.
ખોડલધામ ખાતે આ ઐતિહાસિક લગ્નવિધિનો પ્રારંભ થાય તે પૂર્વે ખોડલધામ
ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને આગેવાનોએ ૫૨૧ નવદંપતીઓની સાથે માઁ ખોડલની આરતી
ઉતારી હતી. ત્યારબાદ લગ્નવિધિ શરૃ કરવામાં આવી હતી.
બીજી તરફ સમાજના શ્રેષ્ઠીઓનું આગમન શરૃ થયું હતું જેમાં બરાબર ૯.૧૫ વાગે
રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખંભાલીડા હેલી પેડથી મોટર માર્ગે લગ્ન
સમારોહ સ્થળ પર આવી પહોંચ્યા હતાં.
મુખ્યમંત્રીના હસ્તે સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન પત્ર આપી સન્માન કરાયું
હતું. જેમાં લેઉવા પટેલ સમાજના પ્રથમ પદ્મશ્રી એવા કરશનભાઈ પટેલ, ૧૯
વર્ષની વયે નેશનલ એકેડમીમાં કેપ્ટન બની દેશની સેવામાં જોડાનાર મિહિર
પાનસુરિયા, જલધારા ટ્રસ્ટનાં મયુરભાઈ સવસાણી, ઉતરપ્રદેશના સાંસદ અનસુયાબેન
પટેલ, વિધવા પુત્રવધુને દીકરી ગણીને પુનઃ લગ્ન કરાવી પિતાની ભૂમિકા
નીભાવનાર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતનાં શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું
હતું.
આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના ભામાશાઓ ખોડલધામમાં અનરાધાર વરસી પડતા
કરોડો રૃપિયાની સખાવતમાં ચરણોમાં ધરી હતી. મા ખોડલના મંદિર નિર્માણ માટે ૫૦
લાખથી માંડ ૫ કરોડનું દાન અનેક દાતાઓએ અર્પણ કર્યું હતું. માતાજીના અલંકાર
અને શ્રૃંગારમાં સૌથી મોટાદાન તરીકે સમાજના અગ્રણી રવિભાઈ આંબલિયાએ સવા બે
કિલો સોનુ દાનમાં આપવાની જાહેરાત કરતાં ઉપસ્થિત લોકોએ જય માઁ ખોડલના નાદથી
દાનને વધાવી લીધું હતું.
સમાજના શ્રેષ્ઠીઓના સન્માન બાદ ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ નરેશભાઈ
પટેલનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રજત તુલાથી સન્માન કરાયું હતું. આ ૧૫૧
કિલો ચાંદી નરેશભાઈએ ખોડલધામને અર્પણ કરી હતી.
એક તરફ સન્માન કાર્યક્રમ ચાલુ હતો તો બીજી તરફ ૫૨૧ યુગલોની લગ્નવિધિ
ચાલી રહી હતી. મંગળફેરા પૂરા થતાં કોડભરી દીકરીઓની વિદાયની વસમી વેળા આવી
પહોંચી હતી. કાળજાના કટકા જેવી દીકરીને માથે વહાલસોયો હાથ મૂકી સુખી થજોના
આર્શીવાદ આપતાની સાથે દડદડ હર્ષના આસુઓ સરી પડયા હતાં. આ ઘડીએ ઉપસ્થિત
લોકોની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતાં. આ ઐતિહાસિક અવસર લાખો લોકો સાક્ષી
બન્યા હતાં.
ભારતના ટોપ ૧૫ રેકર્ડઝમાં ખોડલધામ સમૂહલગ્ન સામેલ
પ્રમાણપત્ર ૧૬ માર્ચનાં દિલ્હી ખાતે ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલને અર્પણ થશે
રાજકોટ, તા.૨૧
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખોડલધામ સંકુલમાં એક સાથે એક જ જ્ઞાાતિના ૫૨૧
યુગલો સમૂહલગ્ન દ્વારા સહજીવનની શરૃઆત કરે. એ ઘટના સમગ્ર એશિયા ખંડમાં
પ્રથમ વાર નોંધાઈ રહી છે, જે બદલ એશિયા બુક ઓફ રેકર્ડઝ વતી પ્રમાણપત્ર
આપતાં હું ગર્વ અનુભવું છું. એમ એશિયા બુક ઓફ રેકર્ડઝના શ્રી બી. રોયચૌધરીએ
જણાવ્યું હતું.
એશીયા અને ઈન્ડિયા બુક ઓફ રેકર્ડઝ વતી ખોડલધામ સંકુલમાં રેકર્ડની ચકાસણી
કરવા આવેલા રોયચૌધરી અને સુનીતા ધોલેએ આ પ્રમાણપત્ર એનાયત કરતાં સહર્ષ
જણાવ્યું હતું. વર્લ્ડ ક્રીએટિવિટી સાયન્સ એકેડેમી દ્વારા નવી દિલ્હી ખાતે
યોજાતા પરિસંવાદમાં પ્રતિવર્ષ સર્વતોતમ ૧૦૦ ઈન્ડિયન રેકર્ડઝ માટેના
પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે પૈકી ઉચ્ચતમ ૧૫ રેકર્ડઝને ઈન્ડિયા બુક ઓફ
રેકર્ડઝમાં સામેલ કરવામાં આવે છે. અને આ પ્રમાણપત્રની અર્પણવિધિ આગામી
તા.૧૬ માર્ચ ૨૦૧૫નાં રોજ નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં સામેલ થવા માટે
ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ આમંત્રણ અપાયું હતું.